
ભાષા અભિવ્યક્તિને જીવંત, ધારદાર અને પ્રભાવશાળી બનાવવામાં તેનાં વ્યાકરણનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. ગુજરાતી ભાષામાં પણ રૂઢિપ્રયોગો એવું જ એક અણમોલ ઘરેણું છે, જે ઓછા શબ્દોમાં ગંભીર અને ઊંડી વાત કહેવાની ક્ષમતા ધરાવે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરી મેળવવાની આશા ધરાવતા ઉમેદવારોને ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોમાં રૂઢિપ્રયોગ અંગેના પ્રશ્નો પોતાના પ્રશ્નપત્રમાં જોવા મળે છે. આજે જ્યારે ગુજરાતમાં લેવામાં આવતી મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વિસ્તરીય (પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી) થઈ ગઈ છે. ત્યારે મુખ્ય પરીક્ષાઓમાં રૂઢિપ્રયોગના અર્થની સાથે વાક્યપ્રયોગ પણ લખવાના હોય છે.
આ શૈક્ષણિક બ્લોગમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવતા ધોરણ 6 થી 8ના ગુજરાતી પાઠ્યપુસ્ત(જૂના અને નવા)માંથી આશરે 100 જેટલા રૂઢિપ્રયોગ તેના અર્થ અને વાક્યપ્રયોગ (ભાગ-01)ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
- મોંમાથી પાણી છૂટવું.
- અર્થ : ખાવાની ખૂબ ઈચ્છા થવી.
- વાક્ય પ્રયોગ : ગરમાગરમ અને મસાલેદાર પાણીપૂરી જોઇને નિકિતાના મોંમાથી પાણી છૂટવા લાગ્યું.
- ઘાણ નીકળી જવો.
- અર્થ : ખૂબ જ હેરાન પરેશાન થઇ જવું, સખત કષ્ટો પડવા.
- વાક્ય પ્રયોગ : દિવસ રાત સતત મજૂરી કરવાને કારણે રમેશભાઈનો સાવ ઘાણ નીકળી ગયો.
- પડતું મૂકવું.
- અર્થ : છોડી દેવું
- વાક્યપ્રયોગ : ભારે વરસાદ શરૂ થતાં જ આયોજકોએ ક્રિકેટ મેચનું આયોજન પડતું મૂકવું પડ્યું.
- નિ:શબ્દ બની જવું.
- અર્થ : શાંત થઈ જવું.
- વાક્યપ્રયોગ : અકસ્માતમાં પોતાના એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળતા જ માતા-પિતા નિ:શબ્દ બની ગયા.
- વિદાય લેવી.
- અર્થ : જવા માટે છૂટા પડવું
- વાક્યપ્રયોગ : દીકરીના લગ્ન સંપન્ન થતાં જ વડીલોના આશીર્વાદ લઈ વર-વધુએ મંગળ મનોરથ સાથે વિદાય લીધી.
- જોતરાઈ જવું.
- અર્થ : કામચોરી વિના કામે લાગવું, કામમાં વળગી જવું.
- વાક્યપ્રયોગ : પરીક્ષા નજીક આવતાં જ મનીષ આખો દિવસ પોતાના અભ્યાસમાં જોતરાઈ ગયો.
- દિલ દઈને.
- અર્થ : ખૂબ ઉત્સાહ અને ધગશથી
- વાક્યપ્રયોગ : રાહુલે દિલ દઈને મહેનત કરી એટલે જ તે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો.
- આત્મા રેડી દેવો.
- અર્થ : પૂરેપૂરી લગનથી કામ કરવું.
- વાક્યપ્રયોગ : શિલ્પીએ મૂર્તિ બનાવવામાં પોતાનો આત્મા રેડી દીધો, એટલે જ મૂર્તિ એકદમ જીવંત લાગતી હતી.
- પગરણ માંડવાં.
- અર્થ : શરૂઆત કરવી.
- વાક્યપ્રયોગ : ઉનાળો શરુ થતાં જ ગામમાં પાણીની અછતના પગરણ મંડાયા.
- માથે ઉપાડી લેવું.
- અર્થ : જવાબદારી લેવી
- વાક્યપ્રયોગ : પિતાના અવસાન પછી મોટા ભાઈએ આખા ઘરનો બોજ સાથે ઉપાડી લીધો.
- દિલ દ્રવી ઊઠવું
- અર્થ : ખૂબ દુ:ખ થવું
- વાક્યપ્રયોગ : ફૂટપાથ પર ભૂખથી તડપતા નાના બાળકને જોઇને સ્નેહાનું દિલ દ્રવી ઊઠ્યું.
- માંડી વાળવુું.
- અર્થ : કામ બંધ કરવું, છોડી દેવું.
- વાક્યપ્રયોગ : લોનની રકમ ચૂકવણી અશક્ય જમાતાં બેંકે આખરે તે રકમ માંડી વાળવી પડી.
- પાછી પાની કરવી.
- અર્થ : પાછા હઠવું.
- વાક્યપ્રયોગ : ભારતીય સૈનિકો સામે મુકાબલો કરવો અશક્ય જણાતાં જ દુશ્મન દેશના સૈન્યે રણમેદાનમાંથી પાછી પાની કરી.
- ઉચાળા ભરવા.
- અર્થ : ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું.
- વાક્યપ્રયોગ : ચોમાસામાં નદીમાં પૂર આવવાના ડરથી કિનારાના ગામલોકોએ પોતાના ઉચાળા ભરવા પડ્યા.
- બે પાંદડે થવું.
- અર્થ : સુખી સંપન્ન થવું.
- વાક્યપ્રયોગ : નવો ધંધો સારો ચાલવાને કારણે રમેશભાઈનું કુટુંબ આખરે બે પાંદડે થયું
- નેવાનાં પાણીએ હાથ ધોવા.
- અર્થ : કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો.
- વાક્યપ્રયોગ : પોતાની ગાડીમાં પેટ્રોલ હોવા છતાં નરેશ મિત્રની ગાડી પોતાના અંગત કામ પતાવવા માટે તેની ગાડી વાપરીને નેવાના પાણીએ હાથ ધોઈ લે છે.
- મનમાં ગાંઠ વાળવી.
- અર્થ : નક્કી કરવું.
- વાક્યપ્રયોગ : આ વખતે ગમે તેટલી મહેનત કરવી પડે, પણ પરીક્ષામાં પ્રથમ નંબરે જ પાસ થવું એવી મહેશે મનમાં ગાંઠ વાળી લીધી.
- ફાટીને ધુમાડે જવું
- અર્થ : બહુ છકી જવું.
- વાક્યપ્રયોગ : અચાનક અઢળક સંપત્તિ આવી જતાં જમીનદારનો દીકરો ફાટીને ધુમાડે ગયો અને ગરીબોને હેરાન કરવા લાગ્યો.
- ડાંડાઈ કરવી
- અર્થ : કામચોરી કરવી, આળસ કરવી
- વાક્યપ્રયોગ : શેઠે જ્યારે રમેશને આખો દિવસ નકામો બેસી રહેલો જોયો, ત્યારે તેમણે તેને ખીજાઈને કહ્યું, “જો કામ ન કરવું હોય તો ના પાડી દે, પણ આવી ડાંડાઈ કરવી ચાલશે નહીં.”
- વહાણાં વાઈ જવાં
- અર્થ : સમય જતો રહેવો.
- વાક્યપ્રયોગ : ઉંમર આખી આળસમાં વિતાવી દીધા પછી, ઘડપણમાં કમાવા નીકળેલા રમેશભાઈને જોઈને ગામના લોકોએ કહ્યું કે, “હવે તો વહાણાં વાઈ ગયાં, અત્યારે મહેનત કરવાનો કોઈ અર્થ નથી.”
- લાગમાં આવવું
- અર્થ : તક મળવી, બરાબર કબજામાં આવવું.
- વાક્યપ્રયોગ : રામુ ક્યારનોય કાળુ પાસેથી પોતાના ઉછીના પૈસા પાછા મેળવવાની ફિરાકમાં હતો, આજે જેવો કાળુ બજારમાં એકલો લાગમાં આવ્યો કે તરત જ રામુએ તેને ઘેરી લીધો.
- તેડું મોકલવું
- અર્થ : નોતરું મોકલવું, બોલાવવું.
- વાક્યપ્રયોગ : દીકરીના લગ્ન નક્કી થતાં જ મહેશભાઈએ પોતાના તમામ સગા-સંબંધીઓને લગ્નમાં આવવા માટે આદરપૂર્વક તેડું મોકલ્યું.
- ભોં ખોતરવા માંડવું
- અર્થ : નીચું જોઈને ઊભા રહી જવું.
- વાક્યપ્રયોગ : ચોરી કરતા રંગેહાથ પકડાઈ જતાં જ, પંચની સામે રમેશ શરમના માર્યા ભોં ખોતરવા માંડ્યો.
- અક્કલનું તાળું ઉઘડવું
- અર્થ : બુદ્ધિ આવવી.
- વાક્યપ્રયોગ : ધંધામાં મોટું નુકસાન વેઠ્યા પછી જ પરેશના અક્કલનું તાળું ઉઘડ્યું અને તેણે સમજી-વિચારીને નવું રોકાણ કરવાનું શરૂ કર્યું.
- નજર કરવી
- અર્થ : લક્ષ આપવું, જોઈ લેવું.
- વાક્યપ્રયોગ : પરીક્ષા ખંડમાં જતાં પહેલાં રોહિતે આખા અભ્યાસક્રમ પર એકવાર ઝીણવટપૂર્વક નજર કરી લીધી.
- દહાડો બગડવો
- અર્થ : ન ધાર્યું હોય તેવું થવું.
- વાક્યપ્રયોગ : સવારે વહેલા નીકળવા છતાં રસ્તામાં ગાડી પંચર થઈ ગઈ અને ટ્રેન ચૂકી જવાઈ, જેથી સુરેશભાઈ બોલ્યા કે “આજે સવાર-સવારમાં જ મારો દહાડો બગડ્યો.”
- બરાડી ઊઠવું
- અર્થ : મોટેથી બૂમ પાડવી.
- વાક્યપ્રયોગ : રાત્રિના અંધકારમાં અચાનક પગ પાસે સાપ સરકતો જોઈને કોમલ બીકના માર્યા બરાડી ઊઠી.
- ઊંચે શ્વાસે
- અર્થ : ઉતાવળે.
- વાક્યપ્રયોગ : શાળાના બેલ પડી જવાની બીકે અક્ષય ઊંચે શ્વાસે દોડતો દોડતો પ્રાર્થના સભા શરૂ થાય તે પહેલાં મેદાનમાં પહોંચી ગયો.
- લાલપીળા થઈ જવું
- અર્થ : ખૂબ ગુસ્સે થવું.
- વાક્યપ્રયોગ : હોમવર્ક કર્યા વગર જ આખો દિવસ મિત્રો સાથે ટીવી જોતા નિખિલને જોઇને પિતાજી તેના પર લાલપીળા થઈ ગયા.
- કાનમાં કંઈક કહેવું
- અર્થ : કંઈક ગુપ્ત વાત કરવી.
- વાક્યપ્રયોગ : વર્ગખંડમાં ચાલુ તાસે મોહિતે અચાનક રોહિતના કાનમાં કંઈક કહ્યું, જેથી શિક્ષકે બંનેને ઊભા કરી દીધા.
- મેળો જામવો
- અર્થ : ઘણા માણસોનું એકઠા થવું તે
- વાક્યપ્રયોગ : દિવાળીના તહેવાર નિમિત્તે નવી ખરીદી કરવા માટે સાંજના સમયે બજારમાં જાણે માણસોનો મેળો જામ્યો હતો.
- ગામનું નાક
- અર્થ : ગામનું ગૌરવ, ગામની શોભા.
- વાક્યપ્રયોગ : ગામમાં નવી બનેલી આધુનિક સરકારી શાળા અને પુસ્તકાલય ખરેખર આપણા ગામનું નાક છે.
- મૂછ મરડવી
- અર્થ : અભિમાન કે શૂરાતન બતાવવું.
- વાક્યપ્રયોગ : કુસ્તીની હરીફાઈમાં સામેના પહેલવાનને એક જ મિનિટમાં પછાડીને અજય અખાડાની વચ્ચે ઊભો-ઊભો મૂછ મરડવા લાગ્યો.
- શ્રીગણેશ કરવા
- અર્થ : કાર્યનો શુભારંભ કરવો.
- વાક્યપ્રયોગ : લાંબા સમયના આયોજન પછી, આખરે આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે રમેશભાઈએ તેમની નવી દુકાનના શ્રીગણેશ કર્યા.
- માથે કરવું
- અર્થ : અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા, તોફાન કરવું.
- વાક્યપ્રયોગ : શિક્ષક વર્ગખંડની બહાર વહીવટી કામ માટે જેવા ગયા, કે તરત જ છોકરાઓએ આખો વર્ગ માથે કર્યો.
- પોરો ખાવો
- અર્થ : આરામ કરવો.
- વાક્યપ્રયોગ : સીમમાંથી વહેલી સવારના ખેતર ખેડીને પાછા ફરેલા કાળુભાઈ બપોરે વડના ઘટાદાર વૃક્ષ નીચે પોરો ખાવા બેઠા.
- તડકી-છાંયડી જોવી
- અર્થ : સુખ-દુ:ખમાંથી પસાર થવું.
- વાક્યપ્રયોગ : દાદાજીએ પોતાના જીવનમાં ઘણી તડકી-છાંયડી જોઈ હતી, એટલે જ આજે તેઓ ઘરની દરેક નાની-મોટી મુશ્કેલીમાં શાંત રહીને સાચો રસ્તો બતાવે છે.
- પૂંઠ વાળવી
- અર્થ : પાછા વળીને જોવું.
- વાક્યપ્રયોગ : એકવાર ધ્યેય નક્કી કર્યા પછી સખત મહેનત કરનારા સફળ લોકો ક્યારેય પાછળ પૂંઠ વાળતા નથી.
- હસવામાંથી ખસવું થવું
- અર્થ : મજાક કરવા જતા ખરાબ પરિણામ આવવું.
- વાક્યપ્રયોગ : મિત્રો વચ્ચે નિર્દોષ મજાક ચાલતી હતી, પણ અચાનક બંને વચ્ચે બોલાચાલી વધી જતાં હસવામાંથી ખસવું થયું.
- અભિમાન ઓગળી જવું
- અર્થ : ગર્વ જતો રહેવો.
- વાક્યપ્રયોગ : હોંશિયાર વિદ્યાર્થી ગણાતા રોહનને જ્યારે સાધારણ લાગતા બાળકે ગણિતના અઘરા પ્રશ્નમાં હરાવ્યો, ત્યારે તેનું હધું અભિમાન ઓગળી ગયું.
- ગેલમાં આવી જવું
- અર્થ : આનંદમાં આવી જવું.
- વાક્યપ્રયોગ : શાળામાં પ્રવાસની તારીખ જાહેર થતાં જ વર્ગના બધા વિદ્યાર્થીઓ ગોલમાં આવી ગયા.
- ભભૂકી ઊઠવું
- અર્થ : સળગી ઊઠવું.
- વાક્યપ્રયોગ : દુકાનમાં શોર્ટ સર્કિટ થતાં જ થોડીવારમાં આખી ઇમારત આગની જ્વાળાઓથી ભભૂકી ઊઠી.
- અધ્ધર પધ્ધર વાતો કરવી
- અર્થ : ઉડાઉ જવાબ આપવો.
- વાક્યપ્રયોગ : જ્યારે મેનેજરે પ્રોજેક્ટના કામ અંગે પૂછપરછ કરી, ત્યારે અનિલે કશો ચોક્કસ જવાબ આપવાને બદલે અધ્ધર પધ્ધર વાતો કરવા માંડી.
- ઊભી પૂંછડીએ ભાગવું
- અર્થ : જીવ લઈને ભાગવું.
- વાક્યપ્રયોગ : ખેતરમાં અચાનક વાધની ગર્જના સાંભળતા જ લાકડાં વીણવા ગયેલા લોકો ઊભી પૂંછડીએ ભાગ્યા.
- લહે લાગવી
- અર્થ : લગની લાગવી.
- વાક્યપ્રયોગ : પરીક્ષા નજીક આવતાં જ સમીરે રમવાનું છોડીને રોજ રાત્રે મોડે સુધી વાંચવાની લેહ લગાડી દીધી.
- આંખ ઊઘડવી
- અર્થ : બરાબર જણાવું, સમજવું
- વાક્યપ્રયોગ : વેપારમાં મોટું નુકસાન થયા પછી જ રમેશભાઈને ખોટા નિર્ણયોનું ભાન થયું અને તેમની આંખો ઊઘડી.
- ભીખના હાંડલા ફરવાં
- અર્થ : અત્યંત નિર્ધન હોવું.
- વાક્યપ્રયોગ : જુગારની ખરાબ ટેવમાં પોતાની બધી સંપત્તિ ગુમાવ્યા પછી, શેઠના દીકરાના ઘરે ભીખના હાંડલા ફરવા લાગ્યા.
- મૌન સેવવું
- અર્થ : મૂંગું રહેવું, ચૂપ રહેવું
- વાક્યપ્રયોગ : સભામાં જ્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ રહી હતી, ત્યારે ગામના વડીલોએ પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી મૌન સેવવું જ યોગ્ય માન્યું.
- આંખોમાં આંખો પરોવવી
- અર્થ : એકબીજાની સામે એકધારું જોવું.
- વાક્યપ્રયોગ : સત્યનો સાથ આપનાર સાચો માણસ ક્યારેય ડરતો નથી, તે કોઈપણ ગંભીર પરિસ્થિતિમાં સામે વાળાની આંખોમાં આંખો પરોવીને વાત કરી શકે છે.
- રોમ રોમ સળગી ઊઠવું
- અર્થ : ખૂબ ગુસ્સે થવું.
- વાક્યપ્રયોગ : અન્યાયી અને ભ્રષ્ટ અમલદારની વાત સાંભળીને પ્રામાણિક નાગરિકના રોમ રોમ સળગી ઊઠ્યા.
- પૂળો મૂકવો
- અર્થ : સળગાવી મૂકવું, નાશ કરવો.
- વાક્યપ્રયોગ : ખરાબ મિત્રોની સંગતમાં પડીને સમય બગાડવાની ટેવ પર તેણે આખરે પૂળો મૂક્યો અને અભ્યાસમાં ધ્યાન પરોવ્યું.
- વાત મનમાં ઉતરવી
- અર્થ : વાત સમજાઈ જવી.
- વાક્યપ્રયોગ : શિક્ષકે ઉદાહરણ આપીને ગણિતનો અઘરો સિદ્ધાંત સમજાવ્યો ત્યારે જઈને વિદ્યાર્થીઓને વાત મનમાં ઉતરી.
- હૈયું ભારે થવું
- અર્થ : દુ:ખનો અનુભવ થવો.
- વાક્યપ્રયોગ : દીરકીની વિદાય વેળાએ પિતાનું હૈયું ભારે થઈ ગયું અને તેમની આંખોમાંથી અશ્રુ વહી નીકળ્યા.
- મોઢું પડી જવું
- અર્થ : ઉદાસ થઈ જવું.
- વાક્યપ્રયોગ : મિત્રો સાથે પ્રવાસમાં જવાની મંજૂરી ન મળતા અંકિતનું મોઢું પડી ગયું.
- જીવ બાળવો
- અર્થ : ચિંતા કરવી
- વાક્યપ્રયોગ : મોડી રાત સુધી દીકરો ઘરે પાછો ન ફરતાં માતા ચિંતામાં ને ચિંંતામાં જીવ બાળવા લાગી.
- વહારે ધાવું
- અર્થ : મદદ કરવી.
- વાક્યપ્રયોગ : પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા ગ્રામજનોની મદદ માટે સ્થાનિક યુવાનો અને બચાવ ટુકડી તુરંત જ વહારે ધાયા.
- અથથી ઈતિ સુધી
- અર્થ : પહેલેથી છેલ્લે સુધી
- વાક્યપ્રયોગ : કોર્ટે ચુકાદો આપતા પહેલાં કેસની તમામ વિગતો અથથી ઈતિ સુધી ઝીણવટપૂર્વક તપાસી લીધી.
- પગે પાંખો આવવી
- અર્થ : ઉત્સાહમાં આવી જવું.
- વાક્યપ્રયોગ : પ્રથમ નંબરે પાસ થયાના સમાચાર મળતાં જ વિજય ઘેર પહોંચવા માટે દોડ્યો, જ્યારે તેના પગે પાંખો આવી ગઈ ન હોય.
- ઝંખવાણા પડી જવું
- અર્થ : છોભીલા પડી જવું, ખસિયાણા પડી જવું.
- વાક્યપ્રયોગ : ચોરી પકડાઈ જતાં જ વર્ગખંડમાં ચતુર ચિંતન બધાની સામે ઝંખવાણા પડી ગયો.
- સ્તબ્ધ થઇ જવું
- અર્થ : આશ્ચર્યચકિત થઇ જવું.
- વાક્યપ્રયોગ : અચાનક ભૂકંપના આંચકા અનુભવાતાં જ ઘરમાં રહેલા બધા જ લોકો ક્ષણવાર માટે સ્તબ્ધ થઈ ગયા.
- ઠાવકાઈથી કહેવું
- અર્થ : ગંભીરતાથી કહેવું.
- વાક્યપ્રયોગ : બાળકો વચ્ચેની નાની-મોટી તકરારને મોટા વડીલે ખૂબ જ છાવકાઈથી કહીને ઉકેલી દીધી.
- મોતિયા મરી જવા
- અર્થ : હોશ ગુમાવવો, હિંમત હારી જવી
- વાક્યપ્રયોગ : જંગલમાં અચાનક સામેથી સિંહને આવતો જોઈને શિકારીના મોતિયા મરી ગયા.
- ભરાઈ પડવું
- અર્થ : ફસાઈ જવું.
- વાક્યપ્રયોગ : ઉતાવળમાં વગર વિચારે વેપારીની વાતોમાં આવીને જૂની કાર ખરીદી લીધી, પણ હવે તેના રોજિંદા ખર્ચાથી રમેશભાઈ ભરાઈ ગયા.
- દરિયાદિલ હોવું
- અર્થ : ઉદાર દિલવાળા હોવું.
- વાક્યપ્રયોગ : પોતાનાથી થયેલી ભૂલને ભૂલીને સામેથી મદદ કરનાર પાડોશીના દરિયાદિલ હોવાનો અનુભવ આજે આખા ગામને થયો.
- અમીવાદળી ઊઠવી
- અર્થ : કૃપા થવી, મહેર થવી.
- વાક્યપ્રયોગ : ગરીબ અને અનાથ બાળકો પર શેઠની અમીવાદળી ઊઠી, અને તેમણે તેમના સમગ્ર શિક્ષણનો ખર્ચ ઉપાડી લીધો.
- ઓડનું ચોડ થવું
- અર્થ : ધારણા કરતાં ઊધું થવું
- વાક્યપ્રયોગ : મિત્રો વચ્ચેના ઝઘડો શાંત પાડવા ગયેલા સુરેશની વાતથી બંને પક્ષ વધુ ઉશ્કેરાઈ ગયા, આમ કરવા ગયા કંઈ ને થઈ ગયું ઓડનું ચોડ.
- એકડિયા-બગડિયાની જેમ
- અર્થ : શિખાઉની જેમ
- વાક્યપ્રયોગ : દાદાજીને નવો સ્માર્ટફોન વાપરતાં ન આવડતાં, તેમના પૌત્રે તેમને એકડિયા-બગડિયાની જેમ એક-એક ફીચર બારીકાઈથી સમજાવ્યા.
- વાતોનાં વડાં કરવાં
- અર્થ : નકામી લાંબી વાતો કરવી
- વાક્યપ્રયોગ : પરીક્ષા નજીક હોવાં છતાં આખો દિવસ વાતોનાં વડાં કરવાથી સફળતા મળતી નથી, એ માટે મહેનત કરવી પડે છે.
- પ્રાગડ ફૂટવું
- અર્થ : પરોઢિયું થવું.
- વાક્યપ્રયોગ : ગામડામાં પ્રાગડ ફૂટતાં જ પક્ષીઓનો કલરવ શરૂ થઈ ગયો અને ખેડૂતો પોતાના ખેતર તરફ નીકળી પડ્યા.
- રસ પડવો
- અર્થ : મજા પડવી
- વાક્યપ્રયોગ : શિક્ષકની રસપ્રદ વાર્તા કહેવાની શૈલીને કારણે વર્ગના તમામ વિદ્યાર્થીઓને ઇતિહાસના વિષયમાં રસ પડવા લાગ્યો.
- આંખે ચક્કર આવવા
- અર્થ : બીકને લીધે બધું ગોળ-ગોળ ફરતું દેખાવું, ગભરાટ થવી.
- વાક્યપ્રયોગ : કડક તડકામાં લાંબો સમય ઊભા રહ્યા પછી અચાનક ઊભા થતાં જ રમેશને આંખે ચક્કર આવી ગયા.
- ચોંકી ઊઠવું
- અર્થ : ચમકી જવું.
- વાક્યપ્રયોગ : રાત્રે ઘરના શાંત વાતાવરણમાં અચાનક કાચ તૂટવાનો મોટો અવાજ આવતાં જ ઘરમાં ઊંધી રહેલા બધા જ લોકો ચોંકી ઊઠ્યા.
- જીવ તાળવે ચોંટવો
- અર્થ : જાણે હમણાં જીવ જશે તેવી સ્થિતિમાં હોવું.
- વાક્યપ્રયોગ : નાના બાળકોને અચાનક ઊંચો તાવ આવી જતાં અને તેની સ્થિતિ લથડતાં માતા-પિતાનો જીવ તાળવે ચોંટાયો.
- જીવ અડધો થઈ જવો
- અર્થ : ચિંતાથી વિહ્વળ થઇ જવું.
- વાક્યપ્રયોગ : મોડી રાત સુધી દીકરો ઘરે પાછો ન ફરતાં માતાનો જીવ અડધો થઈ ગયો.
- દિલનો ટુકડો હોવું
- અર્થ : ખૂબ વહાલા હોવું.
- વાક્યપ્રયોગ : નાની દીકરી તેની દાદી માટે દિલનો ટુકડો છે, તેથી દાદી તેની એક પણ હઠ ખાલી જવાં દેતાં નથી.
- દિલમાં દુ:ખ થવું
- અર્થ : ખૂબ દુ:ખી થવું
- વાક્યપ્રયોગ : પોતાના પ્રામાણિક મિત્ર પર અણધાર્યો આક્ષેપ થતો જોઇને સુરેશના દિલમાં ખૂબ દુ:ખ થયું
- મોં પડી જવું
- અર્થ : ઉદાસ થઈ જવું
- વાક્યપ્રયોગ : ચોરી પકડાઈ જતાં જ વર્ગખંડમાં ચતુર થઈને ફરતા વિદ્યાર્થીનું મોં પડી ગયું.
- સડક થઈ જવું
- અર્થ : સ્તબ્ધ થઈ જવું
- વાક્યપ્રયોગ : મિત્ર પાસેથી અચાનક આવા માઠા સમાચાર સાંભળીને રમેશ ઘડીભર માટે સડક થઈ ગયો.
- ટાપસી પૂરવી
- અર્થ : ચાલતી વાતને ટેકો આપવો.
- વાક્યપ્રયોગ : શેઠ જ્યારે પણ કોઈ નિર્ણય લે, ત્યારે તેમનો મુનિમ તરત જ ટાપસી પૂરવા લાગી જાય છે.
- પાટી મેલાવવી
- અર્થ : દોડાવવું, અક્ષરજ્ઞાન આપવું
- વાક્યપ્રયોગ : ગરીબ પરિસ્થિતિ હોવી છતાં, પિતાએ મજૂરી કરીને પણ પોતાના દીકરાને પાટી મેલાવી અને ભણાવી-ગણાવીને હોશિયાર બનાવ્યો.
- પસીનામાં રેબઝેબ થઈ જવું
- અર્થ : પરસેવે લથબથ થઈ જવું
- વાક્યપ્રયોગ : બળબળતા બપોરે ખેતરમાં સતત કામ કરવાને કારણે ખેડૂત પસીનાથી રેબઝેબ થઈ ગયો.
- માઝા મૂકવી
- અર્થ : મર્યાદા ત્યજી દેવી
- વાક્યપ્રયોગ : ચોમાસામાં સતત ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડતાં નદીએ પોતાની માઝા મૂકી અને આજુબાજુના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા.
- ખાલી ઘોડાં દોડાવવાં
- અર્થ : નકામા વિચારો કરવા
- વાક્યપ્રયોગ : કોઇ પણ જાતની મહેનત કર્યા વગર માત્ર પરીક્ષામાં સફળ થવાના ખાલી ઘોડા દોડાવવાથી પરિણામ સારૂં આવતું નથી.
- ગામનું નાક રહેવું
- અર્થ : ગામની પ્રતિષ્ઠા સચવાવી
- વાક્યપ્રયોગ : સ્પર્ધામાં ગામના યુવાને પ્રથમ ક્રમાંક મેળવીને સમગ્ર રાજ્યમાં ગામનું નાક રાખ્યું.
- જીભના ઝપટા મારવા
- અર્થ : ગપ્પા મારવાં
- વાક્યપ્રયોગ : કોઈ કામ કરવું નહીં અને આખો દિવસ બેસીને માત્ર જીભના ઝપાટા મારવા, એ કંઈ સમજદારી નથી.
- આ પા કે પેલી પા
- અર્થ : કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવું
- વાક્યપ્રયોગ : વ્યવસાયમાં મોટું જોખમ હોવા છતાં, રમેશ આ પા કે પેલી પા નક્કી કરીને પોતાનું બધું જ રોકાણ નવા પ્રોજેક્ટમાં લગાવી દીધું.
- ઉગારી લેવું
- અર્થ : બચાવી લેવું
- વાક્યપ્રયોગ : નદીના પૂરના વહેણમાં તણાતા બાળકને સાહસિક યુવાને પોતાના જીવ જોખમમાં મૂકીને ઉગારી લીધો.
- વાત કળાઈ જવી
- અર્થ : સમજાઈ જવું
- વાક્યપ્રયોગ : મોહન છૂપાઈને યોજના બનાવી રહ્યો હતો, પણ તેની વર્તણૂક પરથી મિત્રોને આખી વાત કળાઈ ગઈ.
- રાડ ફાટી જવી
- અર્થ : ભયથી ચીસ પડાઈ જવી
- વાક્યપ્રયોગ : અંધારામાં અચાનક સામે મોટો સાપ જોઈને સીમાની રાડ ફાટી ગઈ.
- વદન કરમાઈ જવું
- અર્થ : નિરાશ થઈ જવું
- વાક્યપ્રયોગ : પરીક્ષામાં ધાર્યા મુજબનું પરિણામ ન આવતાં જ સાહિલનું વદન કરમાઈ ગયું.
- ઉમેદ બર ન આવવી
- અર્થ : આશા સફળ ન થવી, ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું.
- વાક્યપ્રયોગ : રાત્ર-દિવસ સખત મહેનત કરવા છતાં પ્રથમ ક્રમાંક મેળવવાની મનોજની ઉમેદ બર ન આવી.
- શાખ જામવી
- અર્થ : પ્રતિષ્ઠા ઊભી થવી
- વાક્યપ્રયોગ : ગુણવત્તાયુક્ત વસ્તુઓ અને ઈમાનદારીથી વેપાર કરવાને કારણે બજારમાં વેપારીની સારી શાખ જામી ગઈ.
- નામ લજવવું
- અર્થ : અપકીર્તિ અપાવવી
- વાક્યપ્રયોગ : ખરાબ સંગતમાં પડીને ખોટાં કામ કરવા બદલ પુત્રે પોતાના સંસ્કારી કુટુંબનું નામ લજવ્યું.
- મેણું મારવું
- અર્થ : કડવા શબ્દો કહેવા
- વાક્યપ્રયોગ : નાની અમથી ભૂલ માટે વારંવાર મેણું મારવું એ સારી ટેવ નથી.
- બેડલો પાર થવો
- અર્થ : ઈચ્છા હેમખેમ પાર પડવી
- વાક્યપ્રયોગ : સખત પરિશ્રમ અને સતત પ્રયત્નો પછી જ્યારે મહેશને સરકારી નોકરી મળી, ત્યારે તેનો બેડલો પાર થઈ ગયો.
- ઘોડલાં ખેલવાં
- અર્થ : મોજમજા કરવી
- વાક્યપ્રયોગ : નાનપણથી જ શ્રીમંત પરિવારમાં ઊછરેલા રોહિતને જીવનભર માત્ર ઘોડલાં ખેલ્યા છે, તેને મહેનતનું મૂલ્ય ખબર નથી.
- ઢૂંકવા ન દેવું
- અર્થ : નજીક આવવા ન દેવું
- વાક્યપ્રયોગ : સમજુ માણસો હંમેશા ખરાબ ટેવો અને કુસંગને પોતાની આસપાસ ઢૂંકવા દેતા નથી
- તડકી-છાંયડી જોવી
- અર્થ : સુખ અને દુ:ખ જોવાં
- વાક્યપ્રયોગ : પોતાના જીવનમાં ઘણી તડકી છાયડી જોયા પછી જ દાદાજી અનુભવી અને વ્યવહારૂ બન્યા છે.
- મોભ તૂટી પડવો
- અર્થ : ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામવી
- વાક્યપ્રયોગ : પિતાના અચાનક અવસાનથી કમાનાર કોઈ ન રહેતાં સમગ્ર પરિવાર પર જાણે મોભ તૂટી પડ્યો.
- છિન્ન ભિન્ન થઈ જવું
- અર્થ : વેરણ-છેરણ થઈ જવું
- વાક્યપ્રયોગ : અચાનક આવેલી કુદરતી આપત્તિમાં આખા ગામનાં ઘરો અને સંસાર છિન્ન ભિન્ન થઈ ગયા.
- આંખ ભીની થઈ જવી
- અર્થ : આંખમાં આંસુ આવવાં
- વાક્યપ્રયોગ : વર્ષો પછી જૂના મિત્રને અચાનક સામે જોતાં જ રમેશની આંખ ભીની થઈ ગઈ.
- અવાજ તરડાઈ જવો
- અર્થ : ગદ્ગદિત થવું
- વાક્યપ્રયોગ : વિદાય વેળાએ દીકરીને શિખામણ આપતી વખતે પિતાનો અવાજ તરડાઈ ગયો.
- વાદળ જેવું મન કરવું
- અર્થ : હળવા ફૂલ થઈ જવું, પ્રસન્ન બની જવું.
- વાક્યપ્રયોગ : લાંબી ચિંતાઓ અને કામના ભારથી કંટાળીને કિરણ કુદરતી વાતાવરણમાં ફરવા ગયો અને વાદળ જેવું મન કરીને પાછો ફર્યો.
- નિકંદન કાઢવું
- અર્થ : જળમૂળમાંથી નાશ કરવું.
- વાક્યપ્રયોગ : ભારતીય સેનાએ સરહદ પરથી આતંકવાદીઓનું નિકંદન કાઢી નાખ્યું.

આ રૂઢિપ્રયોગના અર્થ અને તેમના વાક્યપ્રયોગ સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઇ શકશે.