ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ અને વિશાળ છે, અને તેની સાચી સુંદરતા તેના અમૂલ્ય શબ્દભંડોળમાં રહેલી છે. ઘણીવાર આપણે આપણા વિચારો,કોઇ લાંબી વાત કે કોઇ આખા વાક્યને ટૂંકમાં અને સચોટ રીતે રજૂ કરવા માંગતા હોઇએ છીએ. આવા સમયે ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઓછા શબ્દોમાં ઘણું બધું કહી દેવાની આ કળા ભાષાને વધુ પ્રભાવશાળી, આકર્ષક, સરળ અને ધારદાર બનાવવામાં મદદરૂપ થાય છે.
સાહિત્યિક લખાણ હોય, રોજબરોજની વાતચીત હોય કે પછી નોકરી મેળવવાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની હોય, દરેક જગ્યાએ અને ક્ષેત્રમાં શબ્દભંડાળનું વિશેષ મહત્વ છે. યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત અનેક ગણી વધી જાય છે અને તેનો પ્રભાવ સામેની વ્યક્તિ પર ચોક્કસ થાય છે.
આ વેબસાઇટના આ વિભાગમાં ગુજરાતી વ્યાકરણ અને પાઠ્યપુસ્તક આધારિત મહત્વના ‘શબ્દસમૂહ માટે એક શબ્દ‘નો એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. તો ચાલો, ગુજરાતી ભાષાના શબ્દસાગરમાં ડૂબકી લગાવીએ અને આપણા જ્ઞાન અને શબ્દભંડાળને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ.
શબ્દસમૂહ માટે એક શબ્દ
| પગ જકડી રાખવા માટેનું લાકડાનું સાધન | હેડ |
| પાણી ભરવાનું ચામડામાંથી બનાવેલું કોથળી જેવું સાધન | બોક |
| ગાલની નીચેનો મોંની અંદરનો ભાગ | ગલોઠું |
| નદીકાંઠાની કાપ અને રેતાળ જમીન | ભાઠું |
| ગૌરીવ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલ સેર | નાગલા |
| ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડું ખોસી કરવામાં આવતો રસ્તો | ખોડીબારું |
| કામ પેટે અગાઉથી આપેલી રકમ | પેશગી, બાનું |
| પદની પ્રથમ કડી | ધ્રુવપદ |
| ખાંડેલા ચોખાનું ઝીણું ઝટકામણ | કુશકી |
| મોટો અને બેસૂરો અવાજ કાઢવો | આરડવું |
| બદલાની આશા વિનાનું | નિર્વ્યાજ |
| બૂટને લગાડવાનો સફેદ રંગનો પદાર્થ | બ્લેન્કો |
| બળદના મોઢે બાંધવાનું ગૂંથેલું બંધણું | બળદની સેંચી |
| ગાડું હાકનારને બેસવાના સ્થાનનું ટેકાનું લાકડું | ખલવો |
| ચંદ્ર પાસેનું તારાઓનું ઝૂમખું | ગચૂમલી |
| શાસ્ત્રોનો જાણકાર | મીમાંસક |
| બાજરાનું કણસલું | ડૂંડું |
| જુવારનું કણસલું | લોથું |
| ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત | આવણું |
| વપરાશમાં પહેલો ન હોય તેવો કૂવો | ખાડિયો |
| ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી | ગજાર |
| સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી | વૈખરી |
| આંટી દઈને ભરેલો દોરાનો ટાંકો | બખિયો |
| જેમાંથી લોહી કે પરૂ ટપકતું હોય તેવા ઘાવના છિદ્રો | દૂઝતાં ઘારાં |
| સરકારી કાગળિયાંનો થેલો | ખરીતો |
| માટીમાંથી બનાવેલું | પીઢેરિયું |
| મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તે પક્ષી | ફિનિક્સ |
| ગોળાકાર અને ઘૂમટાકાર છાપરાવાળું ઘાસનું ઝૂંપડું | કૂબો |
| બોદ્ધ કે જૈન સાધુ | શ્રમણ |
| ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ | ગડાકુ |
| કૂતરાને ખાવાનું નાખવાનું સાધન | ચાટ |
| મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર | ખાંપણ |
| જૂની લાકડાની પેટી | ઈસ્કોતરો |
| છોડને પાણી સીંચવું તે | ટોયામણ |
| કોઈપણ પ્રકારના કોશમાં આવતો મુદ્દો | અધિકરણ |
| વાઢ્યા વિનાના જુવાર | બાંટાં |
| મદારી કે જાદુગરનો મદદનીશ | જંબૂરિયો |
| રસોઈ કરતી વખતે કે જમતી વખતે પહેરવાનું રેશમી શણનું કે ઊનનું વસ્ત્ર | અબોટિયું |
| હોળી ખેલવા/રમવા નીકળેલ ટોળીનો સભ્ય | ઘેરૈયો |
| કપાળે કેસર લગાવવું તે | અર્ચા |
| સુગંધી પદાર્થ નિચોવીને તૈયાર કરેલું તેલ | ચુઆ |
| પાંદડે બાંધેલું ફૂલનું પડીકું | પાતરી |
| દહીંદૂધ રાખવાનું માટીનું વાસણ | ગોરસી |
| બંદૂક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી – પલીતો | જામગરી |
| વણાટ વખતે તાણેલા લાંબા ઊભા તાર અને આડા તાર | તાણાવાણા |
| યુદ્ધ કરવાની ઈચ્છા | યુયુ |
| ગાય-બળદના ગળામાંથી નીકળતો એક જાતનો ભાંભરવાનો અવાજ | હીંહોટો |
| બોલાવવા માટેની બૂમ | હાંક |
| પ્રવાહી ભરવાનું એક માપ | પળી |
| ઢોર ઉપર બેસતી એક જાતની માખ | બગાઈ |
| રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કુપડું | મશરૂ |
| જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા | સેર |
| પગની આંગળીનું ઘરેણું | વીંછિયા |
| પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું | મુખમોરડો |
| મોટાં મહેલ મકાન વગેરેના પ્રવેશદ્વારની ચોકી | દોઢી |
| માથાદીઠ લેવાતો કર | મૂંડકાવેરો |
| પરાણે કરાવવામાં આવતું કામ | વૈતરૂં |
| ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા | અંજલી |
| શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું | સોંઢવું |
| પગે કરવામાં આવતી કંકુની અર્ચા | પિયળ |
| બેઠા ઘાટની નાની લોટી | ટબૂડી |
| ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ | ગલોફું |
| ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું | જામો |
| કન્યા વિદાય વખતે કન્યાની મા મંગળનો દીવો લે છે તે | રામણદીવડો |
| ભીંતનું વરસાદ સામે રક્ષણ કરવા સાંઠીથી ગૂંથેલી આડશ | ત્રાટું |
| મોટો જાડો રોટલો | બઢો |
| રસ્તામાં પડીને સૂકાઈ ગયેલાં છાણાં | અડાયાં |
| ઊછળે નહિ છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ | રેવાળ |
| માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન | ખોરડું |
| નેસડાનો ઢોર બેસતાં હોય તે ભાગ | ઝોક |
| ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ | જોગાણ |
| ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગા | ગમાણ |
| ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું | પેંગડું |
| ઘોડાને પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો | તંગ |
| ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન | દળી |
| ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો | ભારવેલો |
| નદીની કાંકરાવાળી જાડી રેતી | વેકુર |
| યજ્ઞમાં હોમવાનું લાકડું | સમિધ |
| વસ્તુ નિર્દેશવાળો નાટકનો પ્રારંભનો શ્લોક | નાન્દી |
| શેકેલો અનાજનો લોટ | સત્તુ |
| લગ્ન વગેરે પ્રસંગે મેણાં મારતાં ગીતો | ફટાણાં |
| ગાય અને બળદ હાંકતા કરાતો અવાજ | ડચકારા |
| ભાંગના ધીમાં મસાલા ભેળવી તૈયાર કરાતુ માદક દ્રવ્ય | યાકૂતી |
| સોપારી ઘાટનું ઘૂધરીના ઝૂમખાવાળું કાનનું ઘરેણું | અકોટાં |
| રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી | આંધણ |
| બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા | નવેરી |
| પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ | પાંગત, પાંગથ |
| ગાડામાં પાથરવાની મોદ | ભૂંગણ |
| વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો | બીડું |
| પથારીનો સામાન | પાગરણ |
| કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધારવવાનો એક લગ્નવિધિ | વરબેડિયું |
| સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય | મોંસૂઝણું |
| ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક | તરભાણું |
| તરત જન્મેલા બાળકને આરવામાં આવતું ગોળ, ધી અને પાણીનું મિશ્રણ | ગળથૂથી |
| તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો લાકડું | ડહકલો |
| કશુંક છુપાવવા માટેનું ઓઢણ | અંચણો |
| સુગંધભર્યો લેપ | સોંધો |
| બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક જેવું એક વાદ્ય | મૃદંગ |
| મુખેથી વગાડવાનું વાજું | ચંગ |
| કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી ઘૂંટીને તૈયાર કરેલો લેપ | યક્ષકર્દમ |
| ધીમે-ધીમે ચંપી કરવી તે | તળાંસવું |
| બગલમાં થતું ગૂમડું | કાખબલાઈ |
| નિયંત્રણ વિનાનું, છુટ્ટું મુકાયેલું | રેઢિયાળ |
| પોતાની માગણી માટે, ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ | ત્રાગાળું વરણ |
| ભયંકર આફતભરી ભવિષ્યવાણી | કાળવાણી |
| ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ | ગદબ, રજકો |
| હોડી ચલાવવાનું લાકડાંનું સાધન | હલેસું |
| લાક્ષણિક આકારોમાં જોવા મળતા રેતીના ઢગલા | સેન્ડ ડ્યૂન |
| દુ:ખ કે પીડાને લીધે ઊંહકાર કરવો | કણસવું |
| મરનારને રોવા જવું તે | ગૂડો |
| મરણ પાછળનો શોક | ખરખરો |
| પ્રચાર અર્થે કરેલો કોઈ પણ લાગણીભર્યો પોકાર | અહાલેક, ટહેલ |
| પાકને ઉપયોગી એવો વરસાદ | મોલિયો |
| કુમળા પાનની ઝીણી લાલ રેખા | ટશર |
| ચામડાની સાંકળી પટ્ટી કે દોરી | વાધરી |
| બૂટ તૈયાર કરવાનું તેના માપનુું અને તેના આકારનું લાકડાનું સાધન | ઓઠું, બીબું |
| ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ | લ્હાણ |
| ગોડ-છોડની આસપાસની માટીને ખોદવી તે | આશકા |
| દૂર હોવાને કારણે મનમાં સતત રહેતો મળવાનો ભાગ | ઝુરાપો |
| એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું તે | સારવું |
| ઘઉં, જવ ઈત્યાદિ ધાન્યનાં ડૂંડાં | ઢેફાં |
| ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું | મલપતું |
| સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ | પેરી |
| એકઠી કરેલી ચીજોનો ઢગલો | ખડકલો |
| શૂર ચડે એવા સુરનો એક રાગ | સિંધુડો |
| સંગીતમાં તાલ આપવા માટેનું વાદ્ય | નરઘાં |
| કાપડ વણવાનું ઓજાર | સાળ |
| ગુસ્સામાં પાડેલી બૂમ | ઘુરકાટ |
| પર્વતના અનેક સળંગ શિખરો | ટૂકો |
| ઢોરને ઘાસ નાખવું તે | નીરવું |
| ઘોડાની પીઠ પર નાખવાનું આસન | પલાણ |
| હિસાબ તપાસનાર | અન્વેષક |
| સ્ત્રીઓનું કાનનું ઘરેણું | લોળિયું |
| સૂકાં ઘાસના પૂળાનું ખડકલું | ઓઘલી |
| સંદેશો લઈ જનાર કે લાવનાર માણસ | કાસદ |
| સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં | તગાવી |
| સવારે ઊઠીને તરત પાણી પીવું તે | ઉષ:પાન |
| શોકના આવેશમાં છાતી ફૂટવી તે | છાજિયું |
| પ્રવાહી ગોળ જેવો થાય ત્યાં સુધી ઉકાળેલો શેરડીનો રસ | કાકમ |
| વેદની ઋચાઓનો સમૂહ | કંડિકા |
| વાંસની ચીપટોનાં ટોપલા-ટોપલી ગૂંથનારાં | ગાંછો |
| વાળી કે નથમાં જડેલો નંગ | ખીમણું |
| વલોણાંની ગોળીના કાંઠા પરનું લાકડું | ડેર |
| વરસાદના અભાવે સુકાતી જારબાજરાના ખેંચી લીધેલા સાંઠા | ખકારવાં |
| રોટલી વણવા માટે જોઈતો કોરો લોટ | અટામણ |
| રોટલા શેકવાની માટીના તવી | કલેડું |
| રસોઈ અને જમવાની જગાએ છાણમાટીથી લીંપવી તે | અબોટ |
| મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ | જાંગડ |
| માટલીમાંથી ઝમતા પાણીને ઝીલવા નીચે મુકાતું વાસણ | ચિડિયારું |
| માટીની કે સિમેન્ટની બનાવેલી છાજલી કે ઓટલી | પેઢલી |
| ફાંસી આપવાની જગ્યા | નકાસ |
| પાણી ગાળતાં ગરણામાં રહેલો કચરો | સંખારો |
| નદીકાંઠાની ખડક કે માટી વગેરેની ઊભી કરાડ | ભેખડ |
| દૂધે બાંધીને બનાવેલી રોટલી | દશમી |
| દિશાઓમાં રક્ષણ કરતાં કલ્પિત હાથી | દિગ્ગજ |
| ઝાડની આસપાસ કરેલી નાની વાડ | વાડોલિયું |
| જેમાં પગ મૂકતા ઊંડા ઊતરી કે ખૂંપી જવાય તેવી જમીન | કળણ |
| જવ, મધ અને મીઠાની મેળવણીનું પેય | કવાસ |
| છાશની અંદર ઘઉંનું થૂલું નાંખીને રાંધેલી વાનગી | બોળો |
| ચારે બાજુ પાણીની ખાઈ કે પાણીથી રક્ષાયેલો કિલ્લો | અબ્દુર્ગ |
| ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી | ચિત્રિણી |
| ખાદ્ય ચીજવસ્તુ મટુકીમાં મૂકીને છતમાં લટકાવી શકાય એવું દોરીથી ગૂંથેલું ઝોળી જેવું સાધન | શીકું |
ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય સંબંધિત અવનવી માહિતી મેળવવા માટે અમારા બ્લોગને જોવાનું ભૂલશો નહીં
આભાર